ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૮ સેમ્પલ પૈકી ૪ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા જ્યારે ૩૪ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા
જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૧૫ કેસના દરદીઓ સારવાર હેઠળ છે
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૦,૧૦૯ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર
સર્વેક્ષણ : ૧૧૬ જેટલા જરૂરીયાતવાળા દરદીને અપાયેલી સારવાર
ફળિયા, શહેર કે ગામમાં, જિલ્લા કે રાજ્ય બહારથી કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓનું જૂથ આવે તો જિલ્લાના કંટ્રોલરૂમ નંબર-૦૨૬૪૦-૨૨૧૮૦૬ ઉપર જાણ કરવા નાગરિકોને જાહેર અપીલ
ગુજરાત નેટવર્ક, નર્મદા:- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૯ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૮ સેમ્પલો પૈકી ૪ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ ૩૨ વર્ષિય એક પુરૂષ, ૩૫ વર્ષિય બે પુરૂષ તેમજ ૪૩ વર્ષિય એક પુરૂષનો સમાવેશ થાય છે. આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના ૧૫ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૩૮ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.
નર્મદા જિલ્લામાં આજે તા. ૧૯ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૦,૧૦૯ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૩ દરદીઓ, તાવના ૩૮ દરદીઓ, ડાયેરીયાના ૨૫ દરદીઓ સહિત કુલ -૧૧૬ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮૨૬૩૪૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૨૮૦૫૨૦ લોકોને વિતરણ કરાઇ છે.
પોતાના ફળિયા, શહેર કે ગામમાં, જિલ્લા બહારથી કે રાજ્ય બહારથી કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓનું જૂથ આવે તો નર્મદા જિલ્લાના આરોગ્યતંત્રના કંટ્રોલરૂમ ફોન નંબર- ૦૨૬૪૦-૨૨૧૮૦૬ ઉપર જાણ કરવા નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર અપીલ કરાઈ છે. જેથી આવી બહારથી આવતી વ્યક્તિઓ કે વ્યક્તિઓના જૂથને કવોરોંનટાઈન હેઠળ મૂકી શકાય.