
મહિલા ક્રાઇમ બ્રાંચ ની મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી ટુકડે ટુકડે 35 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાતા ગુજરાત પોલીસ વિભાગમાં ચર્ચા ચકડોળે ચડી છે. જે બાદમાં અરજીઓ પર મહિલા ક્રાઇમમાં થતો વહીવટ હવે ખુલ્લો પડ્યો છે. મહિલા પીએસઆઇ શ્વેતા એસ જાડેજા એ બળાત્કારના આરોપી પાસેથી પૈસા પડાવ્યા હોવાની આ ફરીયાદ છે. આરોપી પાસે થી 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા જ આ મામલે ફરિયાદ નોંધાઈ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, જીપીએન ક્રોપ સાયન્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર કેનાલ શાહ વિરૂુદ્ધ 2017માં તેમની પર્સનલ આસિસ્ટન્ટે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્વેતા જાડેજાને સોંપાઈ હતી. આરોપી પર બળાત્કાની બે ફરિયાદ નોંધાઈ હતી અને તે માટે આરોપીને પાસા ન કરવા 35 લાખ રૂપિયા માંગ્યા હતા. દરમિયાન આ જ કેસના સાક્ષી સિક્યુરિટી ગાર્ડને ધમકી આપવાનો ગુનો કેનાલ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. એક જ કેસમાં બે ફરિયાદો દાખલ થતાં શ્વેતાએ કેનાલને પાસામાં ધકેલી દેવાની ધમકી આપી બીજા 20 લાખ માગ્યા હતા. જેની સામે કેનાલે 15 લાખ આપ્યા હતા. વધુ 5 લાખ માટે દબાણ થતાં કેનાલે ક્રાઇમબ્રાંચમાં અરજી કરી હતી. જેની તપાસમાં શ્વેતા વિરુદ્ધ પુરાવા મળતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ ટુકડે ટુકડે 35 લાખ ચૂકવ્યા હતા. આરોપીએ આંગડિયા અને ચેક મારફતે પૈસા આપતા પુરાવા એકત્રિત કરી આ ફરિયાદ નોંધવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો પૈસા આપ્યા બાદ આરોપીએ PSI સામે અરજી કરી હતી અને મોટા માથાઓની ઓળખાણથી PSI સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે તપાસ SOGને સોપાતા એસઓજીએ મહિલા PSI શ્વેતા એસ જાડેજાની અટકાયત કરી છે.
મહિલા PSI 2017ની બેચમાં PSI તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. મહિલા PSI શ્વેતા જાડેજા છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમય દરમિયાન જાન્યુઆરીમાં તેઓને એક કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ કેસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનનો વર્ષ 2019નો બળાત્કાર કેસ હતો. આ બળાત્કાર કેસના આરોપી સામે એક નહીં પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ફરી તપાસ મહિલા PSIને સોંપવામાં આવી હતી.
બે-બે બળાત્કાર કેસની તપાસના આરોપીને મહિલા PSIએ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને કાયદાકીય ધાકધમકી આપી તેને પાસામાં ધકેલી દેવાની ચીમકી આપી હતી. જો પાસા ન કરવા હોય તો 20 લાખની માંગણી કરી. જેમાં ફરિયાદી સહમત થઇ જતા બળાત્કાર કેસના આરોપીએ મહિલા PSIના કહેવાથી 20 લાખ રૂપિયા જયુભા નામના શખ્સને જામજોધપુર ખાતે આંગડિયાથી મોકલી આપ્યા હતા. બાદમાં ફરીવાર બળાત્કાર કેસના આરોપીને મહિલા PSI બોલાવીને ધમકી આપી ફરીથી પાસા ન કરવા હોય તો 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
બીજીવાર પણ બળાત્કાર કેસના આરોપીએ ચેક અને આંગડિયા મારફતે પૈસા ચૂકવ્યા હતા. આ આખી ઘટના થયા બાદ બળાત્કાર કેસના આરોપીએ મોટા ગજાના અધિકારીને ભલામણ કરીને મહિલા PSI શ્વેતા જાડેજા સામે ક્રાઇમ બ્રાંચમાં પ્રાથમિક અરજી કરી હતી. કેનાલ શાહની અરજી અંગે પોલીસ કમિશનર આશિષ ભાટિયાને જાણ થતા તેમણે આ અંગે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરવાનો આદેશ કર્યો હતો. જે આધારે ક્રાઇમ બ્રાંચે ગુરુવારે ફરિયાદ નોંધી તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી હતી. અમદાવાદ SOGએ મહિલા PSI શ્વેતા જાડેજાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.