પ્રતીક રાઠોડ-જામનગર
સમગ્ર જિલ્લામાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો: વાતાવરણમાં ઠંડક
જામનગર શહેર અને જિલ્લામાં આજે બપોર પછી વાતાવરણ પલટાયું હતું અને સાર્વત્રિક અડધાથી બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જામનગર શહેરમાં આજે બપોર પછી ભારે ગાજવીજ પછી એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જામજોધપુર- કાલાવડ અને લાલપુર પંથકમાં બે ઇંચ જેટલું પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે.
જામનગર શહેર માં આજે સમગ્ર દિવસ દરમિયાન ઉકળાટભર્યું વાતાવરણ રહ્યા પછી ચાર વાગ્યા બાદ એકા એક હવામાન પલટાયું હતું આકાશમાં કાળાડિબાંગ વાદળો ના આંટા ફેરા વધી ગયા હતા. અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. એક કલાકના સમયગાળા દરમિયાન ૨૧ મીમી વરસાદ નોંધાયો હતો. જામનગર ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયાના અહેવાલો મળી રહ્યા છે.
જામનગર શહેર ઉપરાંત લાલપુરમા પણ આજે મેઘસવારી થઈ હતી. બપોરે બે વાગ્યાથી ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બે ઇંચ થી પણ વધુ વરસાદ વરસી ગયો હતો. જામજોધપુર માં પણ બપોરે બે વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને છ વાગ્યા સુધીમાં ૪૦ મીમી પાણી પડી ગયું હતું ત્યારે કાલાવડમાં પણ બપોરે બે વાગ્યાથી છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ૪૦ મીમી વરસાદ વરસી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જામનગર જિલ્લાના જોડિયા માં આજે બપોર પછી ૧૪ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે ધ્રોલ માં પણ ૧૬ મિમી વરસાદ નોંધાયો છે.