January 19, 2022
Gujarat Network
વલસાડ

કપરાડા તાલુકાના અંભેટી ગામની મહિલાઓ શાકભાજીના ધરુ ઉછેરી સ્‍વરોજગારી મેળવી રહી છે

 

 


કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર અંભેટી દ્વારા અપાયેલી તાલીમ અને નાનકડી સહાય ઘરઆંગણે સ્‍વરોજગારીનો અવસર બની – મહેશ્વરીબેન
સંકલનઃ- વૈશાલી જે. પરમાર

માહિતી બ્‍યૂરો, વલસાડઃ તા. ૦૫: ટૂંકાગાળાની તાલીમ અને નાનકડી સહાય પણ ઘરઆંગણે પૂરક રોજગારીનું સર્જન કરી શકે છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે, કાંપરીયા ફળિયામાં રહેતી મહેશ્વરીબેને નાની સરખી સહાય અને પોતાની મહેનતના થકી પૂરક આવક ઊભી કરી આ વાતને સાર્થક કરી બતાવી છે.
મહેશ્વરીબેન જણાવે છે કે, તેઓ હરીઓમ સખીમંડળનું સંચાલન છેલ્લા ૧૦ વર્ષથી કરી રહયા છે. મહિલાઓ ઘરકામની સાથે-સાથે સ્‍વનિર્ભર બને અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ બને તે હેતુસર કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અંભેટી ખાતે ખેતીલક્ષી સહિત અન્‍ય વિવિધ પ્રકારની તાલીમો આપવામાં આવતી હોવાની જાણ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના પ્રોગ્રામ આસીસ્‍ટન્‍ટ પ્રેમીલાબેને કરી હતી. આ અંગે મારા ગ્રૂપની તમામ બાર બહેનોને જાણ કરતાં તેઓ પણ તાલીમ મેળવવા માટે રાજી થઇ ગયા. અમે ચાર વર્ષ પહેલાં નર્સરી વ્‍યવસ્‍થાપનની તાલીમ મેળવી હતી

તાલીમ બાદ શરૂઆતમાં મેં ૨૫ (પચ્‍ચીસ) ટ્રેમાં વાવેતર થકી નાનકડી શરૂઆત કરી હતી. આજે હું ૪૦૦ કરતાં પણ વધુ ટ્રેમાં રીંગણ, મરચી અને ટામેટાના બિયારણનું વાવેતર કરી રહી છું. રીંગણના બિયારણની વાત કરીએ તો એક પેકેટમાં આશરે ૧૭૦૦ની આસપાસ બી હોય છે. જેની કિંમત રૂા.૧૫૦ જેટલી છે. આ ઉપરાંત વીસ કિલો વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર રૂા.૧૦૦/- અને કોકોપીટ રૂા.૫૦/- તેમજ ફૂગનાશક જેવી અન્‍ય સહાયક સામગ્રી મળી કુલ રૂા.૪૫૦ની આસપાસ ખર્ચ થાય છે. ૩૫ દિવસમાં છોડ તૈયાર થઇ જાય છે. ત્‍યારબાદ એક છોડ રૂા. ૧.૫૦ની કિંમતે વેચાણ થતાં રૂા.૨૫૫૦ની આવક થાય છે. આમ ખર્ચ બાદ કરતાં માત્ર એક પેકેટ બિયારણ વાવેતરમાં આશરે બે હજારની આસપાસ નફો મળે છે. એ જ પ્રમાણે મરચી અને ટામેટામાં પણ બે થી અઢી હજારનો નફો એક પેકેટમાં થાય છે. આમ મહિને ૭ થી ૧૦ હજારનો ચોખ્‍ખો નફો મળી રહે છે. અમારે છોડના વેચાણ માટે કોઇ માર્કેટિંગની પણ જરૂરિયાત રહેતી નથી, જેમને જરૂર હોય તે ઘરે આવીને લઇ જાય છે.
કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અંભેટીના પ્રોગ્રામ આસીસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતા પ્રેમીલાબેન આહિર જણાવે છે કે, વલસાડ જિલ્લાના નાના ખેડૂતોને ગુણવત્તાસભર રોપાઓ મળે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર અંભેટી દ્વારા નર્સરી વ્‍યવસ્‍થાપનની ચાર દિવસની પ્રાયોગિક તાલીમ છેલ્લા ચાર વર્ષથી આપવામાં આવી રહી છે. ચાર દિવસની તાલીમ બાદ ત્રણ દિવસ પ્રેક્‍ટિકલ અને ચોથા દિવસે નર્સરીની મુલાકાત કરાવવામાં આવે છે. નર્સરીનો વ્‍યવસાય ઓછી મહેનત અને ઓછા ખર્ચે સારી આવક આપનારો છે. આજદિન સુધીમાં ૧૦૦ જેટલી મહિલાઓને તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને સ્‍વસહાય જૂથની બહેનો આ તાલીમમાં વધુ રસ ધરાવે છે અને તેઓ નર્સરીનો વ્‍યવસાય કરી ઘરબેઠા સારી આવક મેળવી રહયા છે. જે બહેનો પાસે જગ્‍યા નથી, તેવી બહેનો પોતાના ધાબા ઉપર પણ કામગીરી કરી રહી છે. ટ્રેનિંગ બાદ એફ.એલ.ડી. અંતર્ગત મહિલાઓ નાના પાયે શરૂઆત કરી શકે તે માટે ૨૫ જેટલી ટ્રે, વર્મીકમ્‍પોસ્‍ટ, કોકોપીટની સહાય પણ આપવામાં આવે છે.
આમ, અંભેટી ગામની મહેશ્વરીબેન માટે એક નાની સરખી સહાય, ઘરઆંગણે જ રોજગારી નિર્માણનું કારણ બની છે. તેમણે જગ્‍યાના અભાવે તેમના ધાબા ઉપર જ નાનકડી નર્સરી બનાવી છે. આ પ્રગતિશીલ મહિલા ઘરના વ્‍યકિતઓની દેખભાળ અને સારસંભાળની સાથે સિમીત જગ્‍યામાં નર્સરી તૈયાર કરી, ઘરઆંગણે પૂરક રોજગારી મેળવી, પરિવારને મદદરૂપ થઇ રહી છે, જે અન્‍ય માટે પ્રેરણાદાયી બાબત છે. જેની પ્રેરણા થકી હરીઓમ સખીમંડળની મહિલાઓ સહિત અંભેટી ગામની કેટલીક મહિલાઓ પણ નર્સરીનો વ્‍યવસાય કરી ઘરબેઠા રોજગારી મેળવી પોતાના કુટુંબનું ભરણપોષણ કરવામાં મદદરૂપ બની રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં નોંધાયેલા ૫૮ પોઝીટીવ કેસો પૈકી ૪૨ સાજા થયાઃ ત્રણના મૃત્‍યુ

Gujarat Network

વાપી નગરપાલિકાના ચલા વિસ્‍તારમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરાયા

Gujarat Network

કપરાડાના અંતરિયાળ ગામ વરવઠની મહિલાની ૧૦૮માં સફળ નોર્મલ ડિલીવરી

Gujarat Network

વલસાડ જિલ્લામાં કરૂણા એનીમલ એમ્‍બ્‍યુલન્‍સ-૧૯૬૨ શરૂ

Gujarat Network

વલસાડ જિલ્લામાં વરસાદના આગમન સાથે જ ધરતીપુત્રો વાવેતરમાં જોડાયા

Gujarat Network

આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરમબેલા ખાતે આદિજાતિ ખેડૂતોને ખાતર વિતરણ કરાયું

Gujarat Network

ટિપ્પણી મૂકો