January 19, 2022
Gujarat Network
જીવનશૈલી

ઓનલાઇન શિક્ષણ,શાળા અને વાલીઓ ડો. જય વશી ની કલમે વાંચો

ડો.જય વશી

 

ઓનલાઈન શિક્ષણ વાસ્તવિક નથી : ગુજરાત હાઈકોર્ટ
હાઈકોર્ટ નાં ચૂકાદા બાદ સરકાર પક્ષે અને ખાનગી શાળાઓ દ્વારા શું ગતિવિધિ ચાલી એ કહેવાની જરાય જરૂર નથી. આ વાત માં ખરેખર સાચું શું છે એ વાત કરવી જ નથી. જે શાળામાં ભણાવવા માટે વાલીઓ એડમિશન માટે વહેલી સવારથી લાઈન માં ઊભાં રહી જતાં. ડોનેશન નાં નામે બાળકોનાં ભવિષ્ય નો ભાવતાલ કરતાં વાલી કે શાળા સંચાલકો જરાય પણ અચકાતાં ન હતાં. ફેમીલી ફંકશનમાં કે પછી પાર્ટીમાં જે ગુજરાતણ એનાં બાબા ની શાળાનાં વખાણ કરતાં થાકતી ન હતી.’ મારા લાલુ પાસે તો ટાઈમ જ નથી. એની સ્કૂલમાં તો દર અઠવાડિયે ટેસ્ટ, અને પાછું પ્રોજેક્ટ વર્ક ને બધું હોય એટલે એની પાસે અમારી સાથે વાત કરવાનો પણ સમય નથી રહતો… Actually એનું બોર્ડનું વર્ષ છે ને એટલે એની સ્કૂલ Extra focus કરે છે. અરે, આ લોકડાઉન માં પણ એની સ્કૂલ તો ઓનલાઈન રોજ નાં પાંચ કલાક ચાલુ જ રહે છે. ઓનલાઈન શિક્ષણ ને ઓનલાઈન ટેસ્ટ ને ઓનલાઈન પ્રોજેક્ટ…બધું જ ઓનલાઈન…વધુ માં એની સ્કૂલ બોજ સ્ટ્રીક છે જો તમે ઓનલાઈન ન થાવ તો તરત જ એનાં ટીચર નો ફોન આવી જાય…’ એટલા માં જો કોઈ બીજી સ્ત્રી લાલુ ની સ્કુલ નું નામ જો પૂછે તો લાલુની મમ્મી જાણે oxford university નું નામ બોલતી હોય એમ લાલુની શાળા નું નામ બોલે ! બીજી બાજુ લાલુ નાં પપ્પા લાલુની લાખ રૂપિયા ફી ને ખર્ચ નહીં પણ એક સ્ટેટ્સ સમજે છે. હંમેશાં ફી ભરતી વખતે એક પિતા તરીકે સફળ છે એવી અનુભૂતિ કરતો હોય છે ! કયારેક નવો નક્કોર જીન્સ તો ક્યારેક નવો નક્કોર ડ્રેસ પહેરીને Parents meeting માં જવાનું ને સ્ટેટ્સ સમજતી હતી એવી મમ્મીને અને સાથે પપ્પાને પણ શાળા એકદમ ખટકવા લાગી છે.એમને અચાનક હવે શાળા સરસ્વતી નું ધામ નહીં બલકે શિક્ષણ નો વેપાર કરતી ફેક્ટરી લાગવા લાગી છે !
પ્રશ્ન એ થાય કે આજે એકદમ જ ખાનગી શાળા ખરાબ લાગવા લાગી ? લૂંટ ચલાવવા લાગી એવો આભાસ થયો ? હવે એકદમ આવી શાળા ઓ પાછળ પડી ગયાં ? કપરાં સમયમાં પૈસા આપવા પડતાં હોવાથી હવે આ વાત ઉપડી ? સમજી શકાય કે મહામારીની આવી પરિસ્થિતિમાં જ્યારે ધંધો રોજગાર બંધ છે ત્યારે સ્વાભાવિક મુશ્કેલી પડે. અહીં વાત ફી ચૂકવવી કે નહીં .વાલી સાચા છે ,સરકાર સાચી છે કે પછી ખાનગી શાળા સંચાલકો સાચા છે એ વાત નથી. વાત એ છે કે બંને પક્ષે મર્યાદા છે. વાલી ફી નથી ચૂકવી શકતાં અને ખાનગી શાળા પગાર નથી ચૂકવી શકતી. આ બેની વચ્ચે ખૂબજ ઘસાતો પક્ષકાર જો હોય તો એ શિક્ષક છે જે છેલ્લા 3 મહિના થી રોજ નાં અડધો દિવસ ૫ કલાક મોબાઈલ ની સામે ઊભો રહી એકલો એકલો બોલતો રહે છે. આખો દિવસ વોટ્સપ મેસેજ ઉપર બાળકોનાં પ્રશ્નો નું સમાધાન કરતો રહે છે. અને એ પણ 5000 – 7000 ₹ પગાર માં…દુખ ની વાત તો એ છે કે આ કપરાં સમયમાં વર્ષો થી ભરપૂર કમાતી શાળા થી કે નથી વાલી થી એમને સાચવી લેવાતું… એક અંદાજ પ્રમાણે લગભગ 3,00,000 શિક્ષકો નું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે સાથે લાખો વિદ્યાર્થીઓ નું પણ. જે ખાનગી શાળા આજસુધી શિક્ષકો થકી ઊભી થઈ છે, કરોડો રૂપિયા કમાઈ છે એ ત્રણ જ મહિનામાં પાણીમાં બેસી ગઈ ? એમણે શિક્ષકો ને સાચવી લેવાં જોઈએ.અલબત્ ઘણીખરી શાળાએ સાચવ્યા પણ છે.
શાળા માટે તો આ નફા નો પ્રશ્ર્ન છે જયારે શિક્ષકો માટે તો પોતાના અસ્તિત્વ નો…
એક રીતે જોવાં જઈએ તો બધાં જ પોતાની જગ્યાએ સાચા લાગે પણ ઓનલાઈન શિક્ષણ વાસ્તવિક નથી અને એનાં માટે ફી ન ચૂકવવી એ વાત ગળે ઊતરે તેવી નથી. કોરોના ની પરિસ્થિતિમાં ઓનલાઈન તો માત્ર માધ્યમ છે બાળકને શિક્ષણ આપવાનું. કોઈપણ રીતે અપાયેલું શિક્ષણ ક્યારેય અવાસ્તવિક ન હોય શકે. આપણે ત્યાં તો આ કોરોના મહામારી આવી એટલે ઓનલાઈન શિક્ષણ ની શરૂઆત થઈ બાકી અમેરિકા, ફ્રાન્સ, જાપાન, કેનેડા જેવાં ઘણાબધા દેશો વર્ષો થી ઓનલાઈન શિક્ષણ આપી રહયાં છે. દુનિયાની પહેલાં નંબરની યુનિવર્સિટી એટલે હાવર્ડ યુનિવર્સીટી પણ ઓનલાઈન શિક્ષણ આપતી આવી છે જેની ફી પણ લે છે. અરે એ વાત તો છોડો આપણે ત્યાં જ આજ થી ૫૦૦૦ વર્ષ પહેલાં એકલવ્યે ઓનલાઈન ( અંતરલાઈન) શિક્ષણ મેળવેલું જ ને અને વધુમાં અંગુઠો રૂપી ફી પણ ચૂકવેલી. માટે આ બધુ કશું નવું નથી. હા, અત્યારે સમય ખરાબ છે અને ફી અત્યારે ન આપી શકાય અને પાછળ થી દિવસો સુધરે ને પછી આપવાની થાય એ વ્યવહારું વાત છે અને એમ જ થવું જોઈએ. પરંતુ આ ઓનલાઈન શિક્ષણ વાસ્તવિક છે જ નહીં અને એનાં માટે વાલી ફી આપવા બંધાયેલા જ નથી એ વાત તદ્દન વાહિયાત છે… આમાં વધુ માં વધુ અન્યાય શિક્ષકો ને થશે. વાલી પૈસા નહીં આપશે એટલે સંચાલકો શિક્ષકો ને પગાર નહીં ચૂકવશે. મહેનત કરીને પણ મુર્ખ અને સાથે દયામણો તો શિક્ષક જ બનવાનો…
સાચું કહું તો આ બધાની પાછળ નું મૂળ કારણ તો એ છે કે આજે શિક્ષણ જરૂરિયાત નહીં બલકે સ્ટેટ્સ બની ગયું છે. ખાનગી શાળામાં બાળકોને ભણવા મૂકવું એક એક સ્ટેટ્સ છે. મધ્યમ વર્ગના વાલીઓ પણ એક ખોટા ટકાવારીનાં આશાવાદ અને ફેશન માં દોરાય ને પોતાની આવકનો અડધો કયારેક તો એનાં થી વધુ ભાગ ખાનગી શાળાને આપી દે છે. આમ જોવા જઈએ તો આપણાં ગુજરાતમાં તો ખાનગી શાળાનો રાફડો છેલ્લા દસ પંદર વર્ષમાં જ ફાટ્યો છે. આજ નાં વાલી એ ભૂલી જાય છે કે આજથી દસ પંદર વર્ષ પહેલાં પણ લોકો સરકારી શાળામાં ભણીને જ ડોકટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થતાં જ હતાં. કહેવું તો ન જોઈએ પણ અત્યાર નાં ભણેલા લોકો થી વધારે સારા હતાં. શિક્ષણ ગમે ત્યાંથી ગમે એ રીતે મેળવી શકાય છે. વાલીઓ એ બાળક ને ખાનગી શાળામાં મૂકતાં પહેલાં આવનારા ૧૨ વર્ષ નું આયોજન કરી જ લેવું જોઈએ કારણકે આ ખેલ એક બે વર્ષનો તો છે જ નહીં તમારું બાળક સતત ૧૨ ધોરણ સુધી ભણશે. અને બીજી તરફ કોઈ ખાનગી શાળા સંચાલકે તમારા બાળકને ૧૨ વર્ષ મફત ભણાવવાની બાંયધરી તો લીધી નથી. એટલે સાવ સીધો હિસાબ છે જો પરવળે તો ખાનગી શાળા માં મૂકો નહીં તો શહેરમાં ગ્રાન્ટ ઇન એઇડ શાળા છે જ…અહીં કોઈની પણ નાણાકીય મર્યાદા બતાવવાનો કોઈ જ ઇરાદો નથી. દરેક માતા પિતા પોતાના સંતાનોના સુંદર ભવિષ્ય માટે વિચારે એમાં કશું ખોટું છે જ નહીં. પરંતુ સમસ્યા તો ત્યાં આવે છે કે બાળકોની શાળા ની પસંદગી નો નિર્ણય કૌટુંબિક મર્યાદા ને ધ્યાનમાં લઈને નહીં બલકે સોશિયલ સ્ટેટ્સ અને ફેશન ને લઈને થાય છે.બાકી શહેરમાં હજી ઘણીબધી સરકારી શાળાઓ છે જે શ્રેષ્ઠ શિક્ષણ અને કેળવણી પણ આપી રહી છે. એવી શાળા માં જો બાળકોને મૂક્યાં હોત તો આજે આ પ્રશ્ર્ન જ ન આવત. છેલ્લે, આજે ખાનગી શાળા નો વિરોધ કરતાં વાલી સહિત તમામ પક્ષકારને મારો એક જ પ્રશ્ન છે કે આ બધી ખાનગી શાળાને ઊભી કરીને આટલી ધમધમતી કરી કોણે ?

ડો જય વશી

Related posts

ઓનલાઇન શિક્ષક ની વ્યથા-ડો.જય વશી

Gujarat Network

જીવી જઈશું તો જીતી જઈશું-ડો.જય વશી

Gujarat Network

ટિપ્પણી મૂકો