ઈજાગ્રસ્ત ગાય ને સારવાર માટે રાજકોટ ખસેડાઇ; હિન્દુ સેના એ ફરાર થયેલા કચરા ગાડીના ચાલક ને પકડી પાડ્યો
પ્રતીક રાઠોડ
જામનગરમાં નાગનાથ સર્કલ વિસ્તારમાં આજે પરોઢીયે સાડા ચાર વાગ્યે મહાનગરપાલિકાની કચરા ગાડીના ચાલકે રસ્તે ઉભેલી એક ગાયને હડફેટમાં લઇ લેતા ગાય ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ હતી. આ બનાવથી ગો પ્રેમીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. કેટલાક ગૌ પ્રેમીઓએ એકત્ર થઇને ગાયને સારવાર માટે રાજકોટ પહોંચાડી હતી. જયારે હિન્દુ સેનાના કાર્યકરોએ ફરાર થઈ ગયેલા કચરા ગાડીના ચાલક ને શોધી કાઢ્યો હતો, અને પોલીસને સુપરત કર્યોછે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે જામનગરના નાગનાથ સર્કલ વિસ્તારમાં આજે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં મહાનગરપાલિકા ના કોન્ટ્રાક્ટરની એક કચરા ની ગાડી ના ચાલકે રસ્તે ઉભેલી એક ગાય ને પાછળથી ટક્કર મારી દેતા ગાયની કરોડરજ્જુ ભાંગી ગઈ હતી, અને લોહી નીતરતી હાલતમાં માર્ગ પર પડી હતી.
આ અકસ્માત ના બનાવ પછી કચરા ગાડીનો ચાલક પોતાનું વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માત ની જાણકારી મળતાં કેટલાંક ગૌ પ્રેમીઓ એકત્ર થઇ ગયા હતા, અને સૌપ્રથમ ગાયને સારવાર માટે રાજકોટ પહોંચાડી હતી. ઉપરાંત હિન્દુ સેનાના કાર્યકરોએ ફરાર થઈ ગયેલા કચરા ગાડીના ચાલક ને શોધી કાઢ્યો હતો, અને પોલીસ મથકમાં સુપરત કરી દીધો છે. સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.