January 19, 2022
Gujarat Network
જીવનશૈલી

જીવી જઈશું તો જીતી જઈશું-ડો.જય વશી

ડો.જય વશી

પાંચ મહિના થઈ ગયા છે..હજી પરિસ્થિતિ કાબૂ માં આવી નથી. ધંધા રોજગાર પણ હજી જોઈએ એવાં વ્યવસ્થિત ચાલુ નથી થયાં. બાળકોની શાળા કોલેજ પણ હજી શરૂ નથી થઈ. અમુકની તો પરિક્ષા જ હજી નક્કી નથી થઈ. પાંચ મહિનાથી ઘરમાં જ છીએ. કામ સિવાય બહાર નિકળી શકાતું નથી.રોજ એક ભય સાથે દિવસ પસાર થતો દેખાય છે. રોજ સવાર વેકસીન ની આશા સાથે ઊગે છે અને ફરી પાછી એજ આશા ની ચાદર ઓઢી સૂઈ જાય છે.હવે ઘર સિવાય ઘરનાં બધા જ લોકોને અકળામણ થાય છે.જો કે બધાની અકળામણ જુદા જુદા પ્રકારની છે. બાળકોને સ્કૂલ જવું છે. પપ્પાએ નોકરી એ જવું છે.સ્ત્રી એ આટલો લાંબા સમય કયારેય પોતાના પુરુષ ને ઘરમાં ન જોયેલો હોય એટલે હવે એ પણ અકળાઈ છે.પરંતુ એક વાત કોમન છે કે બધાની હવે ક્યાંક ને ક્યાંક કોઈપણ કારણ થકી ધીરજ ખૂટી હોય એવું લાગે છે.ઘર ચલાવનારને ઘર ચલાવવા જેટલું અને દેશ ચલાવનારને દેશ ચલાવવા જેટલું ટેન્શન તો વધતાં ઓછા પ્રમાણમાં થતું જ હોય એ એકદમ સ્વાભાવિક છે.
વિજ્ઞાન માટે કદાચ આ સદી નો મોટા માં મોટો પડકાર આ કોરોના છે. છાતી કાઢીને ચાલતી આપણી માણસ જાત ની છાતી માં કોરોના ક્યારે પ્રવેશી ગયો એ કોઈને જાણ સુધ્ધા ન થઈ! ચીન થી નિકળેલો આ વાયરસ મારા અને તમારા ઘર સુધી કયારે આવીને ઊભો રહી ગયો એ પણ ખબર ન પડી. પોતાની પાસે એક મિનિટ નો પણ ટાઈમ નથી એવું કહેનારા આજે પાંચ મહિનાથી ઘરે બેસી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતાં થઈ ગયાં છે. એક દિવસ પણ બાળકને રજા ન આપતી શાળા આજે પાંચ મહિના થી બંધ છે ! ઘણુંબધું બદલાય ગયું છે. પુરુષોએ ક્યારેક ટાઈમ પાસ માટે તો કયારેય દબાણ હેઠળ રસોડામાં જવાં માંડ્યું છે.ઘર માત્ર પૈસા થી જ ચાલે છે એ વાત માનનારાઓ નાં ગાલ પર આ મોટો તમાચો છે. ઘરનાં લોકોને જાણવાનો, માણવાનો અને બધાં સાથે છીએ એ વાતને ઉજવી લેવાનો આ સમય મળ્યો છે.

Advertisement

ખેર, જે હોય એ પણ પાંચ મહિના થયાં એટલે ચિંતા તો થાય જ. થોડા નેગેટિવ વિચાર પણ આવે. ઘરનાં દરેક પક્ષકારને પોતાના જેટલી ચિંતા તો થાય જ. નોકરીયાત ને નોકરી ની તો એની કંપનીનાં માલિક ને આખી કંપની ની ચિંતા થતી હશે. વાલીને બાળકો નાં ભવિષ્યની તો શાળા ને પણ બાળકોનાં સાથે શાળા નાં ભવિષ્ય ની ચિંતા થતી જ હશે. આ બધું સ્વાભાવિક છે.માનવ સ્વભાવ નું જ એક લક્ષણ છે.કદાચ માણસ હોવાની આ સૌથી મોટી મર્યાદા છે.પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ર્ન એ થાય છે કે આ બધી ચિંતા કરીને પણ શું કરવાનાં ? જયાં સુધી કોરાના સામે લડવાનું કોઈ ચોક્કસ હથિયાર ન મળે ત્યાં સુધી બધું હતું એવું ચાલુ કરાય ખરું? ચાલો માની લઈએ કે કાલે શાળા ખુલે તો શું તમે કાલથી જ બાળકોને મોકલી આપશો ખરા? સમસ્યા છે અને એમાંથી પસાર થવું પડશે જ એ વાત નક્કી છે.
હવે ખરો સમય આવી ગયો છે ધીરજ રાખવાનો. હવે ખરો સમય આવી ગયો છે ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા ને વધુ દ્રઢ કરવાનો. એક વાત છે કે ઉતાવળ કરવાથી કશું વળવાનું નથી. કે નથી આવેશ માં આવીને કોઈ અઈચ્છનીય પગલું ભરવાથી સમસ્યાનો અંત આવવાનો. ચિંતા માં ફરતાં રહેવાથી ચિંતા ઓછી નથી થવાની ઉલ્ટા ની ચિંતા વધશે સાથે આપણી સાથે જોડાયેલા લોકોની ચિંતા પણ આપણાં લીધે વધશે. સમય પરિક્ષા લઈ રહ્યો છે. આપણે બધા એ પરિક્ષા મને કમને આપી જ રહયાં છીએ. જો આ પરિક્ષા આપવાની ફરજિયાત જ હોય તો શા માટે આ પરિક્ષા પૂરી શ્રધ્ધા થી ન આપીએ.સંજોગો સામે જીદ કરીને જીવવા કરતાં સંજોગો નો સ્વિકાર કરી લેવો વધારે સારું છે. જીવવાનું સરળ બની જશે. કેટલી ફરિયાદ કરીશું? કોની કોની ફરિયાદ કરીશું ? બધા ની જ પરિસ્થિતિ વધતાં ઓછા પ્રમાણમાં દબાયેલી છે. ઉઘરાણી બધાની જ અટકેલી છે કારણકે આખા અર્થતંત્ર ની દિશા જ ભટકેલી છે. ઘર કેવી રીતે ચલાવીશું? ઘંધો કેવી રીતે ચલાવીશું? નોકરી છૂટી જશે તો શું કરીશું? લોનનાં હપ્તા કેવી રીતે ચૂકવીશું? જૂની બચત પૂરી થઈ જશે તો બાળકો નાં અભ્યાસ અને લગ્ન નું શું કરીશું? આકસ્મિક ખર્ચાઓ ને કેવી રીતે પહોચી વળીશું, ? અ..ધ…ધ કેટલાં પ્રશ્ર્નો થી મન ઘેરાયેલું રહે છે. આ બધા પ્રશ્નો ચિંતા નું રૂપ લઈ મન ને કોરી ખાય છે. પણ આ બધી જ ચિંતા માંથી પાર ઉતરવાનો એક સરળ ઉપાય છે અને એ છે “ઈશ્વર ઉપર શ્રદ્ધા “. આ સમયે આ એક જ રામબાણ ઈલાજ છે જે આપણા બધાને ઉગારી શકે છે. યાદ કરો ગીતા માં એણે જ તો કહયું હતું ‘મારા શરણ માં આવી જા’. ઈશ્વર બે હાથ ફેલાવીને આલિંગન આપવા ઊભો છે બસ આપણે એનાં શરણે થવાની જરૂર છે. જેણે દ્રોપદી નાં ચિર પૂરયા હોય, જેણે કુંવર બાઈનું મામેરૂ પાર ઉતાર્યું હોય, જેણે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હોય, જેણે સુદામા નાં દુ:ખ દૂર કર્યા હોય એવો ઈશ્વર આપણી સાથે થોડો પક્ષપાત કરે ! જે ઈશ્વર અહીં સુધી આપણને લઈ આવ્યો હોય એ અહીં થી આગળ લઈ જવામાં કસર થોડી છોડે….એ સાથે હતો, સાથે જ છે અને સાથે રહેવાનો પણ છે. બસ, સવાલ માત્ર આપણી એનાં પ્રત્યે ની શ્રધ્ધાનો છે. ચિંતા ને આશિકા નીચે રાખી ઉજાગરા કરવાં કરતાં એને ઈશ્વર નાં ઓશિકા ની નીચે મૂકી દઈને નિરાંતે સૂઈ જવું. એમ પણ એક વાત તો નક્કી જ છે કે આપણે ગમે તે કરીએ પણ છેલ્લે તો ધાર્યુ તો એનું જ થવાનું છે.હવે જો એનું જ ધાર્યું થવાનું હોય તો આપણી ચિંતા કરવાનો કોઈ અર્થ નથી ઉલ્ટા નું આપણી ચિંતા એને જ સોંપી દેવામાં શાણપણ છે.
જયારે નકારાત્મક વિચાર આવે ત્યારે એક વિચાર ઓર કરજો કે આપણી પરિસ્થિતિ ઘણાં કરતાં હજી સારી છે. બે ટાઈમ નાં રોટલા માટે રડવું પડે એવી પરિસ્થિતિ તો નથી આવીને ? કોરોના માં અત્યારે રોજેરોજ લાશોનાં ઢગલાં થાય છે. એ ઢગલાં માં તમારી કે તમારાં સ્વજન ની લાશ તો નથી ને?તમે,તમારાં સંતાનો અને તમારો પરિવાર સુરક્ષિત છે એનાં થી વધુ બીજું શું જોઈએ…પૈસો,નોકરી,ધંધો વ્યવસાય આ બધું તો છે અને જો કદાચ છૂટી જશે તો ફરી પાછાં પ્રયત્ન કરીશું, ફરી પાછા બેઠાં થઈશું. નિરોગી રહી જીવી જઈશું તો જીતી પણ જઈશું.અત્યારે સમય છે એકબીજા ને સાથ આપી સાથે રહી આ સમયને જીવી જવાનો…તો ચાલો નકારાત્મક વિચાર છોડી આપણું બધું ઈશ્વર ને સોંપી નચિંત થઈ જઈએ…નરસિંહ મહેતા કહે એમ જેવી મારા હરિ ની ઈચ્છા…

Related posts

ઓનલાઇન શિક્ષણ,શાળા અને વાલીઓ ડો. જય વશી ની કલમે વાંચો

Gujarat Network

ઓનલાઇન શિક્ષક ની વ્યથા-ડો.જય વશી

Gujarat Network

ટિપ્પણી મૂકો