August 3, 2021
Gujarat Network
જીવનશૈલી

ઓનલાઇન શિક્ષક ની વ્યથા-ડો.જય વશી

જ્યારે કોઈ સવાલ પૂછવા વાળુ ન હોય તો શું થાય એ હવે સમજાય છે ? ગમે એટલું સારું બોલતાં હોઈએ પણ સાંભળનાર સામે ન હોય ત્યારે શું થાય એ હવે સમજાય છે. તોફાનો અને ફરિયાદોથી કંટાળી તો જવાય છે પણ એ તોફાનો કરવાં વાળા સામે ન હોય ત્યારે શું થાય છે એ હવે સમજાય છે ? રોજે રોજ સ્કૂલ, કોલેજ કે ટયુશન માં ભણાવવા જવાનો કંટાળો આવતો હોય પરંતુ હવે ત્યાં જવાતું નથી ત્યારે સમજાય છે. રૂટિન બની ગયેલી જિંદગી નો થાક લાગે છે પણ હવે એ જ રૂટિન માં નથી જીવી શકાતું ત્યારે હવે સમજાય છે.
વર્ગ એ દરેક શિક્ષક માટે પોતાનું અસ્તિત્વ છે. અત્યારે દરેક શિક્ષકનું અસ્તિત્વ ઓનલાઈન થઈ ગયું છે. સ્પર્શ, સંવેદના અને સહાનુભૂતિ થી ચાલતો વર્ગ અત્યારે બંધ છે. અત્યારે તો માત્ર માહિતી આપતો કલાસ ચાલુ છે. છેલ્લાં પાંચ મહિના થી હું પણ આ ઓનલાઈન શિક્ષણ નો જ એક ભાગ અને ભોગ બંને બની ગયો છું. ઓનલાઈન શિક્ષણ ની મર્યાદા ને ધ્યાનમાં રાખીને ભણાવતો રહું છું. પણ મને મન નાં ઊંડાણ માં કયાંક ને કયાંક એવું લાગ્યા કરે છે કે હું ભણાવી નથી રહ્યો હું માત્ર માહિતી આપી રહ્યો છું. શિક્ષણ અને કેળવણી આ બંને નો તફાવત સમજી શકાય એવો છે. ગમે એટલી મોટી સ્ક્રીન હોય, ગમે એટલું ફાસ્ટ ઈન્ટરનેટ કે ગમે એટલાં સારાં સોફ્ટવેર હોય પણ એ ક્યારેય શિક્ષકને પોતાનું શિક્ષકત્ત્વ આપી શકતું નથી એવું હવે સમજાય ગયું છે.અરે, 50 % કે 70% પગાર આપીને શાળા કે કોલેજ શિક્ષકોને માત્ર રોજગારી આપી શકે પણ એનું શિક્ષકત્ત્વ તો ન જ આપી શકે. કોઈપણ શાળા કે કોલેજનાં મેનેજમેન્ટ ની તાકાત નથી કે એ કોઈ શિક્ષક ને શિક્ષકત્ત્વ આપી શકે. એને શિક્ષકત્ત્વ આપી શકે તો માત્ર અને માત્ર એનાં વિદ્યાર્થીઓ જ…વર્ગ માં બેઠેલા વિધાર્થીઓ નો સંતોષ અને એની મોઢાં પર ની સ્માઈલ જ બોર્ડ પાસે ઉભેલાં એક સામાન્ય માણસને શિક્ષક બનાવતી હોય છે. વિધાર્થીઓ નો પ્રેમ એ બીજું કશું જ નથી પરંતુ એક સામાન્ય માણસ માં રહેલાં શિક્ષકત્ત્વ નાં દસ્તાવેજ પર સહી છે. શૈક્ષણિક સંસ્થા શિક્ષક ને એક મકાન અને થોડાં ફી ભરીને આવેલાં ભણવા વાળા જ આપી શકે પરંતુ એક શિક્ષક ને પોતાનું અસ્તિત્વ વિદ્યાર્થી સિવાય કોઈ પણ ન આપી શકે.એ વિધાર્થી વિનાં વાંઝયો થઈ ગયેલો વર્ગ કેટલો ભયંકર હોય છે એ હવે સમજાય છે ! બેંચ ઉપર બેઠેલાં ઈશ્વર નું મૂલ્ય સમજી ન શકનાર શિક્ષક નાં ગાલ ઉપર આ લોકડાઉન એ મોટા માં મોટો તમાચો છે. ૫૦ વિધાર્થીઓ નો વર્ગ એટલે કે ૧૦૦ કુમળી આંખો…દરરોજ કાગ ડોળે રાગ જોતી એ ૧૦૦ કુમળી આંખો અત્યારે રાહ નથી જોતી માત્ર તમારો વિડિયો જોઈ છે ત્યારે સમજાય છે કે એ આંખો નું આપણાં જીવનમાં શું મહત્વ હતું. વિધાર્થીની આંખી મારે મન હંમેશાં એક ફળદ્રુપ જમીન રહી છે. મને રોજ એ જમીન માં કંઈક ને કંઈક રોપવાનું ગમે. પણ અત્યારે ઓનલાઈન એવી ખેતી કરી શકાતી નથી કારણકે હું મારી જમીન થી દૂર છું. મુઠ્ઠી માંથી બી નાંખીને વાંવણી કયારેય ન થાય એટલે જ મારી મુઠ્ઠી બંધ રાખી છે. રાહ જોઈ રહ્યો છું ક્યારે એ આંખો નાં ખેતરમાં પહોંચું ને પછી રોપુ થોડાં સપનાં….
વિધાર્થીઓ ને નથી મળી શકાતું એનાં અભાવ સાથે સ્વભાવ ને કેળવવો પડે છે. એમનાં શિક્ષણ કરતાં એમનું સ્વાસ્થ્ય અગત્યનું છે એટલે સ્વાભાવિક જ એમનાં જીવ નાં ભોગે તો એમને શિક્ષણ ન જ આપી શકાય. અભ્યાસક્રમ પૂરો કરવો એતો દરેક શિક્ષક માટે ડાબા હાથ નો ખેલ છે.આજે નહીં તો કાલે એતો પૂરો કરી દઈશું. બસ હ્રદય નાં ખૂણે એક જ ઈચ્છા કે બાળકો બધાં તંદુરસ્ત રહે…સાચું કહું તો સવાલ બાળકો નાં સ્વાસ્થ્ય અને જીવન નો છે એટલે જ આ માહિતી આપતું માધ્યમ એટલે કે ઓનલાઈન શિક્ષણ નો હસ્તા મોઢે સ્વિકાર કર્યો છે.વિદ્યાર્થી છે તો બધું જ છે.એક પિરિયડ કે એક દિવસ એવો ન ગયો હોય કે એ નમૂના યાદ ન આવ્યાં હોય. સવાલ પૂછતાં ને વ્યવસ્થિત ભણતાં બાળકો તો યાદ આવે એ સ્વાભાવિક છે જ પણ એનાં થી વધુ યાદ તો પેલાં તોફાની નમૂના યાદ આવે છે જે હંમેશાં વર્ગખંડ ને જીવતો રાખતાં. સાલુ હવે ભણાવતી વખતે કોઈ ડિસ્ટર્બ નથી કરતું એની ખોટ લાગે છે ! આપણે ખીજાયા હોય ત્યારે પેલી ભીની થઈ ગયેલી આંખ ને યાદ કરું છું ત્યારે હવે મારી આંખ ભીની થઈ જાય છે. લોકડાઉન માં ચોકલેટ ઘણી ખાધી છે પણ પેલી બર્થડે નાં દિવસે આપી જતા છોકરાં ની ચોકલેટ જેવી મીઠી ન લાગી…લાગે છે મીઠાશ પણ હોમ કોરેન્ટાઈન થઈ ગઈ છે ! જયારે જયારે ઓનલાઈન ભણાવું છું ત્યારે ખુદ ને શિક્ષક ઓછો ને માહિતી આપતું મશીન વધુ સમજું છું. છતાં હાલમાં કોઈ વિકલ્પ નથી એને કુમળી જિંદગી નો સવાલ છે એટલે કામ કરતો રહું છું.
સાચું કહું હવે ખૂબજ યાદ આવે છે એ બધાની…પાંચ મહિના ની પીડા બાદ આજે મારી લાગણી ની પ્રસૃતિ થઈ છે. જે ખૂણે જયાં હશે ત્યાં બધા વિધાર્થીઓ ને એટલું જ કહેવું છે કે miss u lot..ઉતાવળ કરશો નહીં ઈશ્વર બધું સારું કરશે. મને શ્રધ્ધા છે કે અમને અમારું કોરેન્ટાઈન થયેલું અસ્તિત્વ અને તમે બંને મળશો . છેલ્લે એટલું જ કહીશ કે અત્યારે શિક્ષક શબરી ની અવસ્થામાં છે એ પણ રાહ જોઈ રહ્યા છે પોતાનાં નાના રામ ની…

ડો જય વશી

Related posts

જીવી જઈશું તો જીતી જઈશું-ડો.જય વશી

Gujarat Network

ઓનલાઇન શિક્ષણ,શાળા અને વાલીઓ ડો. જય વશી ની કલમે વાંચો

Gujarat Network

ટિપ્પણી મૂકો