મટવાડ ટાંકી પાસે માં તોતિંગ વડલો પડતા એલટી લાઇન નાં ૨ વીજપોલ, અને સોનવડી ગામે આંબા નું વૃક્ષ પડતા ૩ વીજપોલ તૂટયા, બીલીમોરા ગૌરવપથ ઉપર તોતિંગ વૃક્ષ ની ડાળ તૂટતા પાન પાર્લર અને ફ્રુટ કોર્નર નો કચ્ચરઘાણ સાથે ટ્રાફિક અવરોધાયો હતો.
ગણદેવી તા.૨૨ ગણદેવી તાલુકામાં મંગળવારે રાત્રે ૮ થી ૧૨ કલાકમાં વીજળી નાં કળાકા ભળાકા અને તોફાની પવન સાથે વધુ ૨૭ મીમી (૧ ઇંચ) સાર્વત્રિક સાથે મોસમ નો ૨૧૨૬ મીમી (૮૫.૦૪ ઇંચ) નોંધપાત્ર પાછોતરો વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા નદી સપાટી ૩.૫૫૦ મીટરે વહેતા વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. મટવાડ, સોનવાડી ગામે વૃક્ષ પડતા વીજપોલ ધરાશાયી થતા અંધારપટ્ટ છવાયો હતો. જ્યારે બીલીમોરા માં વૃક્ષ ડાળ તૂટતા ટ્રાફિક થંભી ગયો હતો.

ગણદેવી તાલુકામાં મંગળવાર રાત્રે ૮ કલાકે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ અને પવન નાં સુસવાટા વચ્ચે વધુ ૨૭ મીમી (૧ ઇંચ) સાથે મોસમનો ૨૧૨૬ મીમી (૮૫.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. લોકમાતા અંબિકા, કાવેરી, પનિહારી, વેંગણિયા નદીઓ બે કાંઠે જોવાઇ હતી. દરમિયાન વેગીલા પવન ને કારણે મટવાડ ગામ નાં ટાંકી પાસે તોતિંગ વડલો પડતા એચટી લાઇન ના ૨ વીજપોલ, તેમજ સોનવાડી ગામે ખાડી ફળીયા માં આંબા નું વૃક્ષ પડતા એલટી લાઇન ના ૩ વીજપોલ તૂટયા હતા. જેને કારણે ૬ કલાક અંધારપટ્ટ છવાયો હતો. ગણદેવી વિજકંપની ને રૂ.૩૦ હજાર જેટલું નુકશાન થયું હતું. બીલીમોરા ગૌહર બાગ નાં ગૌરવપથ ઉપર રેઇન ટ્રી વૃક્ષ ની ડાળ પડતા અરવિંદ પાન પાર્લર અને સાઈનાથ ફ્રુટ કોર્નર નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક પ્રસરી હતી. ડાંગર પાક ને નવજીવન મળ્યું હતું.