ગણદેવી,તા.૨૧ ગણદેવી કોશિટ ફળિયામાં શનિવારે મળસ્કે નજીવી બાબતે ઝગડામાં માર મારી ઘરમાંથી નીકળી જવા કહેતા ગુસ્સે ભરાયેલી પત્નીએ બે કલાક બાદ લાકડાના હાથા નાં મરણતોલ ફટકા વીંઝી દેતા નિદ્રાધીન પતિનું કરુણ મોત નીપજયું હતું. પડોશી ની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપી પત્ની ની ધરપકડ કરી લાકડાનો હાથો કબજે લીધો હતો.
ગણદેવી નગરનાં કોશિટ ફળિયામાં રહેતો ઈમ્તિયાઝ અહમદ મુઝાવર (૬૨) બેંક ઓફ બરોડા દેવધા બ્રાંચમાં કેશિયર તરીકે નોકરી કરી ચારેક વર્ષ અગાઉ નિવૃત્ત થયો હતો. જે પત્ની સાથે રહેતો હતો. જ્યારે ત્રણ સંતાનો પૈકી મોટી દીકરી અને દીકરો વર્ષોથી ઇંગ્લેન્ડ દેશ માં સ્થાયી થયા છે. જ્યારે નાની દીકરી લગ્ન બાદ વાપીમાં રહે છે. દરમિયાન શનિવારે મધ્યરાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ઈમ્તિયાઝ અને રૂકશાના વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં ઈમ્તિયાઝ એ પત્નીને માર મારી ઘરમાંથી નીકળી જવાનું કહેતા તે પોતાના બીજા રૂમમાં ગઈ હતી. જે બાદ ગુસ્સે ભરાતાં મળસ્કે ત્રણેક વાગ્યાના અરસામાં ઘરમાં પડેલો લાકડાનો હાથો લઈ ઈમ્તિયાઝ નાં બેડરૂમમાં ધસી ગઈ હતી. અને નિંદ્રાધીન પતિના માથા, શરીર ઉપર ગમે તેમ મરણતોલ ફટકા વીંઝી દીધા હતા. જેને કારણે લોહી લુહાણ હાલત માં તેનું કરૂણ મોત નિપજયું હતું. જે બાદ વહેલી સવારે રૂકશાના પડોશીના ઘરે પહોંચી હતી અને પતિ બેડ ઉપર થી પડી જતા મોતને ભેટયો હોવાની કેફિયત રજૂ કરી હતી. જે સાંભળી પડોશી ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જ્યાં લોહી થી લથપથ અને શરીરે અનેક નિશાન સાથે મૃતક ઈમ્તિયાઝ અને તેની બાજુમાં લોહીથી રંગાયેલો લાકડાનો હાથો જોતા કંઈક અજુગતું બન્યું હોવાના અણસાર મળ્યા હતા. જે આધારે પડોશી રિયાઝ અબુબકર મુઝાવર (૬૦) રહે. કોશિટ ફળિયા, નાની મસ્જિદ પાસે ગણદેવી એ પોલીસમાં ફરિયાદ આપી હતી. જે આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. નવસારી જિલ્લા નાયબ પોલીસ વડા રાણા, નવસારી સીપીઆઈ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ, એફએસએલ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી. દરમિયાન શંકાનાં દાયરામાં આવેલી પત્ની રૂકશાના એ ગુનો કબૂલી લેતા પોલીસે તેની ધરપકડ કરી લાકડાનો હાથો કબજે લીધો હતો. ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મૃતક ઈમ્તિયાઝ નું પેનલ ડોકટર પાસે પોસ્ટમોર્ટમ કરાવી, એફ.એસ.એલ.ની મદદથી વધુ તપાસ પીએસઆઈ પરાક્રમસિંહ કછવાહા ચલાવી રહ્યા છે. સુખી સંપન્ન પરિવાર માં એકાએક ઘટેલી કરુણ ઘટના એ શહેરભરમાં ચકચાર મચાવી હતી. પોલીસ હત્યા પાછળ ના કારણો શોધવા તળિયાઝાટક તપાસ કરી રહી છે.
