બીલીમોરા તા.૨૧ બીલીમોરા જલારામ બાપા ના મંદિરે ૨૨૧મી જલારામ જયંતિ પ્રસંગે ૨૫ યુનિટ રક્તદાન સાથે માનવતા મહેકી હતી. છપ્પન ભોગ સાથે અન્નકૂટ ભક્તો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો.
ગણદેવી તાલુકા માં ઠેર ઠેર ભક્તો એ બાપા નું જન્મજયંતિ ટાણે શ્રધ્ધાસુમન અર્પી આશીર્વાદ મેળવ્યા હતા. યશસ્વિન યુથ સરીબુજરંગ, જય જલારામ યુવક મંડળ કોથા તથા જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બીલીમોરા દ્વારા શોભાયાત્રા, મહાપ્રસાદ અને ડાયરાનું આયોજન નહિ કરવા નિર્ણય લેવાયો હતો. જેને ભક્તજનોએ આવકાર્યો હતો.જલારામ બાપા ના મંદિરમાં સવારથી જ ભક્તજનો દર્શનાર્થે પહોંચતા જોવા મળ્યા હતા. સરીબુજરંગ ખાતે રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થકી બ્લડ ડોનેશન શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં ૭૦ યુનિટ રક્ત એકત્રિત કરી યશસ્વિન યુથ સરીબુજરંગ દ્વારા માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોથા ગામે પણ જલારામ બાપાની સુંદર મઢુલી બનાવી પૂજા અર્ચના કરી ભક્તજનો ના દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવી હતી.
આ વખતે જલારામ બાપાની ઊજવણી માં કોવિડ ૧૯ ની પરિસ્થિતિ લઈ સંયમ દાખવવામાં આવ્યો હતો. જલારામ જયંતિ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક અને સરકારની ગાઈડ લાઈન નું સંપૂર્ણ પાલન કરવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગણદેવી સુગર ફેકટરી સામે જલારામ મંદિર, બીગરી, પૉસરી, ચિમોડિયા નાકા રેલવે ફાટક પાસે જલારામ મંદિર, ઉંડાચ સહિત ના ગામો માં અનેક મંદિરો જય જલિયાણ ના નારા થી ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર ગણદેવી તાલુકો જલારામ બાપાની ભક્તિમાં તરબોળ થયો હતો.
